'જેલમાં મોકલી દઈશું!' સુપ્રીમ કોર્ટની BMCને કડક ફટકાર, કમિશનરનો પગાર રોકવાનો આદેશ, અવમાનનાની નોટિસ જાહેર
મુંબઈના બોરીવલી વિસ્તારમાં BEST બસ સ્ટેશન માટે ફાળવવામાં આવેલી જમીન પરથી દબાણ દૂર કરવામાં નિષ્ફળ રહેવા બદલ સુપ્રીમ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સામે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે BMC કમિશનર સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરીને કારણદર્શક નોટિસ જાહેર કરી છે. અગાઉના આદેશોનું પાલન કેમ કરવામાં આવ્યું નથી તે અંગે કમિશનર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ સભ્યોની બેન્ચે BMCના અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે સવાલ કર્યો હતો કે શું મ્યુનિસિપલ અધિકારીઓ જમીન પર દબાણ કરનારાઓ સાથે સાંઠગાંઠ કરી રહ્યા છે? તેમણે કડક ટિપ્પણી કરતાં ચેતવણી આપી હતી કે અધિકારીઓને જેલમાં મોકલવામાં આવી શકે છે, જેથી તેમને સુપ્રીમ કોર્ટના આદેશોની ગંભીરતા સમજાય.
અદાલતે BMC કમિશનર અને સંબંધિત કર્મચારીઓના પગારની ચુકવણી 1 ડિસેમ્બર 2026 સુધી અથવા અદાલતના આગળના નિર્દેશો સુધી રોકવાનો આદેશ આપ્યો છે. BMC તરફથી દબાણ દૂર કરવા માટે 30 દિવસનો વધારાનો સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે આ માગણી ફગાવી દીધી હતી. આ ઉપરાંત BMC પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન BMC તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે દબાણ દૂર કરવાની કાર્યવાહી પહેલાં કેટલાક મરાઠી દસ્તાવેજોનો અંગ્રેજીમાં અનુવાદ કરાવવો જરૂરી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને વધારાનો સમય આપવાનો ઇનકાર કર્યો હતો.
આ સમગ્ર વિવાદ મુંબઈના બોરીવલી વિસ્તારમાં BESTના જાહેર બસ સ્ટેશન માટે ફાળવવામાં આવેલી જમીન સાથે સંબંધિત છે. આ જમીનને લઈને BMC અને એક ખાનગી ડેવલપર વચ્ચે લાંબા સમયથી કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.
13 ઓગસ્ટ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે ખાનગી ડેવલપરને સંબંધિત જમીન અને તેના પર આવેલી વહીવટી ઇમારતનો ખાલી તથા શાંતિપૂર્ણ કબજો BMCને સોંપવાનો આદેશ આપ્યો હતો. અદાલતે BMCને ત્રણ મહિનાની અંદર જમીનનો કબજો મેળવવા, કાયદા મુજબ દબાણ દૂર કરવા અને બસ સ્ટેશનને સંપૂર્ણ રીતે કાર્યરત કરવા જણાવ્યું હતું.
જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં આદેશનું પાલન થયું નહોતું. 13 નવેમ્બર 2025ના રોજ પણ સુપ્રીમ કોર્ટે આ મામલે નારાજગી વ્યક્ત કરીને BMC કમિશનરને વ્યક્તિગત સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. તેમાં જમીન પર કબજો ધરાવતા લોકોની યાદી, તેમને આપવામાં આવેલી નોટિસ અને માલિકી અથવા ભાડૂતના હક સંબંધિત બાકી દાવાઓની વિગતો માંગવામાં આવી હતી.
અગાઉના આદેશોનું પાલન નહીં થતાં હવે સુપ્રીમ કોર્ટે BMC કમિશનર સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે.

.jpeg)









