- 03 Nov, 2026
- 27
પ્રેમા રાવતે 14 બોલમાં ફટકારી અડધી સદી, મહિલા T20માં બનાવ્યો વિશ્વ રેકોર્ડ
ભારતીય ક્રિકેટર પ્રેમા રાવતે મહિલા T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. તેમણે માત્ર 14 બોલમાં અડધી સદી પૂરી કરીને મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ તેમણે સિનિયર મહિલા T20 ટ્રોફીમાં ઉત્તરાખંડ તરફથી હૈદરાબાદ સામે રમતી વખતે મેળવી હતી. આ મેચ 2 નવેમ્બરે પુણેના MCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.
પ્રેમા રાવત 14 બોલમાં અણનમ 50 રન બનાવીને પરત ફર્યાં હતાં. તેમની આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેમણે 357.14ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. આ પહેલાં મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ 15 બોલમાં હતો, જે પાકિસ્તાનની ફાતિમા સના, ઇંગ્લેન્ડની મેરી કેલી અને ન્યૂઝીલેન્ડની લૌરા હેરિસના નામે હતો.
પ્રેમાની આક્રમક બેટિંગની મદદથી ઉત્તરાખંડે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 187 રન બનાવ્યા હતા. રાઘવી બિષ્ટે પણ અણનમ 72 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 98 રન જ બનાવી શકી હતી. ઉત્તરાખંડે આ મુકાબલો 89 રનથી જીતી લીધો હતો.
બેટિંગ ઉપરાંત પ્રેમાએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે 4 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ મેળવી હતી. 24 વર્ષીય પ્રેમા રાવત ભારતીય ટીમ માટે પણ રમી ચૂકી છે અને મહિલા પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ભાગ છે. આ પ્રદર્શનથી તેમણે ભારતીય મહિલા ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.










