તાજા સમાચાર

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની અવરજવર પર લાગેલા પ્રતિબંધો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવા માટેના પ્રતિબંધોમાંથી છૂટ આપી છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત-મોગદ્દમના જણાવ્યા અનુસાર, ભારત ઉપરાંત ચીન, ઈરાક અને કતરના જહાજોને પણ આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.

ઈરાની અધિકારીએ જણાવ્યું કે ભારતને આ છૂટ ઈરાનમાં ભારતમાંથી જરૂરી દવાઓની આયાત સરળ બનાવવા માટે આપવામાં આવી છે. જ્યારે ચીનને આપવામાં આવેલી છૂટ પાછળ બેઇજિંગનો રાજકીય ટેકો મેળવવાનો હેતુ હોવાનું જણાવાયું છે. અહેવાલો અનુસાર, ભારતીય અને ચીની જહાજો પાસેથી હોર્મુઝમાંથી પસાર થવા માટે ટ્રાન્ઝિટ ફી લેવામાં આવશે, જ્યારે કતરના જહાજોને કોઈ ફી વિના પસાર થવાની મંજૂરી છે. ઈરાકી જહાજો પાસેથી ફી લેવામાં આવશે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતની કાચા તેલ, LPG અને LNGની આયાતનો મોટો હિસ્સો આ માર્ગમાંથી પસાર થાય છે. તેથી ભારતીય જહાજોને મળેલી છૂટથી દેશની ઊર્જા સપ્લાય અને દરિયાઈ વેપારને રાહત મળી શકે છે. જોકે, આ છૂટ માત્ર પસંદગીના દેશોના જહાજો માટે છે અને વિસ્તારમાં ચાલી રહેલા તણાવને કારણે દરિયાઈ સુરક્ષાની સ્થિતિ હજુ પણ પડકારજનક છે.

Share :

સંબંધિત સમાચાર