નવી દિલ્હી 21 ઓગસ્ટ 2026

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં યોજાનારી ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝના કાર્યક્રમમાં ફેરફાર થવાની શક્યતા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ACBએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI સાથે આ અંગે ચર્ચા શરૂ કરી છે. જોકે હાલમાં શેડ્યૂલમાં ફેરફાર અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.

હાલમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ T20 મેચ 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર અને 17 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ કાર્યક્રમની જાહેરાત ACB અને BCCI દ્વારા અગાઉ કરવામાં આવી હતી.

હવે ACBએ આ કાર્યક્રમને થોડા દિવસ વહેલો કરવાની દરખાસ્ત કરી છે. સંભવિત નવા કાર્યક્રમ મુજબ મેચો 11 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે. ખાસ વાત એ છે કે 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે મેચ યોજવાની શક્યતા છે.

ACB તરફથી શેડ્યૂલ બદલવાની પાછળનું એક મહત્વનું કારણ દર્શકોની સંખ્યા અને બ્રોડકાસ્ટિંગ સાથે જોડાયેલા હિતધારકોની અપેક્ષાઓ હોવાનું માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે રજા અથવા તહેવારને કારણે મેચ માટે દર્શકોની હાજરી વધુ રહેવાની સંભાવના પણ આ દરખાસ્ત પાછળનું એક કારણ છે.

હાલમાં BCCI અને ACB વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. અંતિમ નિર્ણય બંને ક્રિકેટ બોર્ડની સહમતિ બાદ લેવામાં આવશે. એટલે હાલમાં 13 15 અને 17 સપ્ટેમ્બરની તારીખોને જ સત્તાવાર કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે.

આ સિરીઝ અફઘાનિસ્તાનની નિર્ધારિત હોમ સિરીઝનો ભાગ છે પરંતુ તમામ મેચ ભારતની રાજધાની દિલ્હીમાં રમાઈ રહી છે. બંને ટીમો માટે આ સિરીઝ આગામી એશિયન ગેમ્સની તૈયારીના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ રહેશે.

Share :

સંબંધિત સમાચાર