- 21 Aug, 2026
- 70
ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે રચ્યો ઇતિહાસ ચીનની ચોથી ક્રમાંકિત જોડીને હરાવી ભારતનો મેડલ પાક્કો
નવી દિલ્હી 21 ઓગસ્ટ 2026
ભારતની મહિલા ડબલ્સ જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં ઐતિહાસિક સફળતા મેળવી છે. ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ચીનની ચોથી ક્રમાંકિત જિયા યી ફાન અને ઝાંગ શુ શિયાનની જોડીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પણ પાક્કો થઈ ગયો છે.
નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટ્રીસા અને ગાયત્રીએ પ્રથમ ગેમ 16 21થી ગુમાવી હતી. જોકે ભારતીય જોડીએ હાર માની નહીં અને બીજી ગેમમાં જોરદાર વાપસી કરતા 21 15થી જીત મેળવી હતી. નિર્ણાયક ત્રીજી ગેમમાં ભારતીય ખેલાડીઓએ સતત દબાણ જાળવી રાખ્યું અને 21 13થી ગેમ જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું.
આ જીત ખાસ એટલા માટે છે કારણ કે ચીનની આ જોડીએ અગાઉ ટ્રીસા અને ગાયત્રી સામે ત્રણેય મુકાબલા જીત્યા હતા. એટલે ભારતીય જોડીએ 0 3ના હેડ ટુ હેડ રેકોર્ડ બાદ આ મેચમાં શાનદાર વાપસી કરી છે.
આ સફળતા સાથે ભારતે મહિલા ડબલ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ માટેનો 15 વર્ષનો ઇંતજાર પૂર્ણ કર્યો છે. ભારતે છેલ્લે 2011માં મહિલા ડબલ્સમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીત્યો હતો. ત્યારે જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ટ્રીસા જોલી માટે પણ આ સિદ્ધિ ખાસ છે કારણ કે તે તાજેતરમાં ઇજામાંથી વાપસી કરી છે. ઇજા બાદ ફરી કોર્ટ પર પરત ફરેલી ટ્રીસા અને ગાયત્રીએ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપના સેમિફાઇનલમાં પહોંચીને ભારત માટે મેડલ નિશ્ચિત કર્યો છે.
હવે ભારતીય જોડીની નજર સેમિફાઇનલમાં જીત મેળવીને બ્રોન્ઝ મેડલને સિલ્વર અથવા ગોલ્ડમાં બદલવા પર રહેશે. ઘરઆંગણે રમાઈ રહેલી ચેમ્પિયનશિપમાં દર્શકોના જોરદાર સમર્થનથી પણ બંને ખેલાડીઓને મોટી પ્રેરણા મળી છે.

.jpg)




